ભારતનાં અમર પ્રેમીઓની વાતમાં સૌથી મોખરે નામ આવે મોગલ બાદશાહ શાહજહાં અને મુમતાઝનું… આ બંને પ્રેમીઓએ વિશ્વમાં ઇતિહાસ રચી દીધો. મુમતાઝનું આખું નામ મુમતાઝ મહાલ હતું. એ શાહજહાંની ત્રીજા નંબરની રાણી હતી, પરંતુ તેણે શાહજહાં પર દિલોદિમાગથી પ્રેમ થકી કબજો મેળવી લીધો હતો. જેમ વેલેન્ટાઈન ડે ૧૪મીએ આવે છે એમ મુમતાઝ મહાલને પણ ચૌદનો આંકડો જોડાયેલો રહે છે. એ ૧૪મા વર્ષની વયે પ્રેમમાં પડી હતી અને ૧૪મા સંતાનના જન્મ સમયે એણે ફાની દુનિયા છોડી દીધી હતી. એની સ્મૃતિમાં શાહજહાંએ વિશ્વનું બેજોડ સ્થાપત્ય તાજમહાલ બંધાવ્યો જમના નદીના કાંઠે આગ્રામાં… ૧૬૩૧ની સાલમાં બાંધકામ શરૃ થયું હતું અને લાગલગાટ રર વર્ષ કામ ચાલ્યું, રર હજાર લોકોએ કામ કર્યું હતું, અને એક હજાર હાથીઓને કામે લગાડયા હતા. તાજમહાલ બાંધવા પાછળ તે સમયે ૩૨ કરોડ રૃપિયા ખર્ચાયા હતા. અને ૧૬૫૩માં તાજમહાલનું બાંધકામ પૂર્ણ થયું હતું. આ બેજોડ સ્થાપત્ય વિશ્વભરને દિલ્હી, આગ્રા ખેંચી લાવે છે અને શાહજહાં-મુમતાઝના અમર પ્રેમને આજે પણ યાદ કરે છે.
વિશ્વમાં પ્રેમીઓ બાબતે એકલા શાહજહાં -મુમતાઝનો દાખલો પર્યાપ્ત નથી. જેવી રીતે શાહજહાંએ મુમતાઝની યાદમાં તાજમહાલ બંધાવ્યો અને એ પણ જમના નદીના કાંઠે એવી રીતે મોરબી રાજ્યના વાઘજી ઠાકોરે એમની પ્રિયતમા અને પાછળથી પત્ની બનેલી દાસીકન્યા મણિબાઈની સ્મૃતિમાં મચ્છુ નદીના કાંઠે વસેલા મોરબીમાં મણિ મહેલ બંધાવ્યો હતો. એમની પાછળ જે તે સમયે ત્રીસ લાખનો ખર્ચ થયો હતો. ૧૯૦૩ની સાલમાં ૨૮ માર્ચના રોજ રાજવીની પ્રેયસી મણિબાઈનું અવસાન થયું હતું. એમના અવસાન બાદ વાઘજી ઠાકોર તીવ્ર આઘાતમાં સરી પડયા હતા. એ જમાનામાં રાજરોગ ગણાતો ટી.બી રાજવીની પ્રેયસી-રાણી મણિબાઈને પણ થયો હતો અને આ રોગે જ એનો ભોગ લીધો હતો. પ્રેયસી-પ્રિયતમાના અવસાન પછી ગૂમસૂમ રહેતા રાજવીએ ભોજનમાં મેવા-મિઠાઈ ત્યાગીને માત્ર અડદની દાળ અને બાજરાના રોટલાનું સાદું ભોજન જમવાનું શરૃ કર્યું હતું. આ પછી વાઘજી ઠાકોરે પ્રિયતમા મણિબાઈની સ્મૃતિમાં અદ્ભુત સ્થાપત્ય રચવાનો મનોમન નિર્ધાર કરી મણિ મહેલ બાંધવાની શરૃઆત ૧૯૦૩ની સાલથી જ કરી દીધી હતી. આ સ્થાપત્યનો નકશો મોરબીના ગોકળદાસ રાજપાાલ દફતરીએ તૈયાર કર્યો હતો. ૧૯૦૩થી બાંધકામ આગળ ધપવા લાગ્યું. મણિ મહેલમાં ધ્રાંગધ્રા અને નારીચાણા ગામનો પથ્થર વપરાયો છે. આ મહેલ બાંધવામાં જયપુરના સ્થપતિ શિલ્પકાર નારાયણદાસ રામબક્ષે જવાબદારી સંભાળી હતી. મણિ મહેલમાં ૩૬ ઝરુખા અને ૨૦૫ ઓરડા છે. આ મહેલ બાંધવામાં ખૂબ જ ચીવટ રાખવામાં આવી હતી, જો કે વાઘજી ઠાકોર આ મહેલના પૂર્ણ કાર્ય સુધી હાજર રહી નહોતા રહી શક્યા. ૧૯૨૨ની સાલમાં તેમને પક્ષઘાતની બીમારી થયા બાદ દેહ છોડી દીધો હતો. બાંધકામનાં ૧૯ વર્ષ એ જિવિત રહ્યા હતા. તેમના અવસાન બાદ એમના પુત્રે પિતાની ઇચ્છાનુસાર બાંધકામ જારી જ રાખ્યું હતું. જે છેક ૧૧-૪-૧૯૩૫માં કુલ ૩૨ વર્ષ પૂર્ણ થયું હતું. તાજમહાલ પાછળ ૩૨ કરોડ રૃપિયા ખર્ચાયા હતા. મણિ મહેલ સ્થાપત્ય પૂરું કરવામાં ૩૨ વર્ષ ખર્ચાયાં હતાં.
હવે વાઘજી ઠાકોર અને મણિબાઈના પ્રગાઢ અમર પ્રેમની વાત પર આવીએ… વાઘજી ઠાકોરનાં લગ્ન પાલિતાણાની રાજકુંવરી બાજીરાજબા સાથે થયાં હતાં. એ સમયે એવો રાજસી રિવાજ હતો કે કુંવરીને લગ્ન સમયે દાયજામાં દાસીઓ પણ આપવામાં આવતી હતી. એ વખતે પાલિતાણાની કુંવરી સાથે મણિબાઈ નામની વડારણ દાસીકન્યા આવી હતી. જેવી રીતે લાઠીના યુવા રાજવી કલાપી દાસીકન્યા મોંઘી પર વારી ગયા હતા, એવી રીતે મોરબીના નરેશ વાઘજી ઠાકોર દાસીકન્યા મણિબાઈના જાજરમાન સૌંદર્ય પર વારી ગયા હતા. બંને પ્રગાઢ પ્રેમમાં સરી પડયાં… મણીબાઈ નજરબાગ પેલેસમાં રહેતાં હતાં. વાઘજી ઠાકોરે બે પેલેસને જોડવા માટે સાન ફ્રાન્સિસ્કોમાં છે તેવો ઝૂલતો પુલ બાંધ્યો અને આ પુલના બાંધકામ માટેની સામગ્રી છેક ઈંગ્લેન્ડથી મંગાવી હતી. આ બંને પ્રેમીઓની મુલાકાત વધતી ચાલી, પછી કહેવાય છે કે વાઘજી ઠાકોરે એની જોડે લગ્ન કરી લીધાં હતાં. એ જમાને કેટલાય કવિઓએ રાજવીના પ્રણયકિસ્સાને જોડતાં ગીતોય લખ્યાં હતાં. આ મણીબાઈના અવસાન પછી એની અમર યાદીમાં વાઘજી ઠાકોર ત્રીસ લાખના ખર્ચે જે તે સમયે મણિ મહેલ બંધાવ્યો. આથી આપણે વાઘજી ઠાકોરને સૌરાષ્ટ્રના શાહજહાં જરૃર ગણી શકીએ!
Source By: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=159330
http://www.morbilive.com | www.ahmedabadlive.com | www.jewellerygujarat.com | www.ideakaguru.com | www.freemydownload.com
Popularity: 36% [?]

